SBI-PNBને મોટો ફટકો, કર્ણાટક સરકારે આ બેંકોમાં ખાતા બંધ કરવાનો આપ્યો આદેશ

Amit Darji

નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે રાજ્યના તમામ સરકારી વિભાગોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંકમાં ખાતા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તમામ વિભાગોએ આ આદેશનો સંપૂર્ણ અમલ કરવો પડશે અને તેમની થાપણો પાછી ખેંચવી પડશે. હવેથી આ બંને સરકારી બેંકોમાં કોઈ પણ જમા કે રોકાણની મંજૂરી આપવામાં આવશે નહીં. આ બેંકોમાં જમા કરવામાં આવેલા ભંડોળના કથિત ગેરઉપયોગ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તરફથી આ આદેશ પર મંજૂરી મળ્યા બાદ રાજ્યના નાણા સચિવોએ તમામ સરકારી વિભાગોને આ આદેશ જારી કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંકમાં રાજ્ય સરકારના વિભાગો, જાહેર સાહસો, કોર્પોરેશનો, સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓના બેંક ખાતા તાત્કાલિક બંધ કરવામાં આવે. હવેથી, આ બંને બેંકોમાં કોઈ રકમ જમા કરવામાં આવશે નહીં કે રોકાણ કરવામાં આવશે નહીં.

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે ઉચાપત કરેલા ભંડોળને લઈને લાંબા સમયથી બેંકો પર દબાણ કરી રહ્યા છીએ પરંતુ તેઓ કહે છે કે આ મામલો કોર્ટમાં છે. સ્ટેટ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ આ બેંકો સાથેનો કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના પછી અમારે આ પરિપત્ર જારી કરવો પડ્યો છે.

- Advertisement -

જો કે, આ બેંકોએ નાણા વિભાગનો સંપર્ક કર્યો છે અને ટૂંક સમયમાં મામલો ઉકેલવાની ખાતરી આપી છે. બેંકોએ આ બાબતને મહત્વ ન આપવાની અપીલ કરી છે. જ્યારે સરકાર આ મામલે વધુ તપાસ કરશે.

કર્ણાટકમાં કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને વિપક્ષી પાર્ટી ભાજપ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનું કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ આ ફંડ ટ્રાન્સફર કૌભાંડના કેન્દ્રમાં છે. કોર્પોરેશન એકાઉન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ચંદ્રશેખર પીકે દ્વારા 26 મેના રોજ લખવામાં આવેલી સુસાઈડ નોટમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

- Advertisement -

જો કે, કર્ણાટક સરકારનો આ આદેશ ત્યારે આવ્યો જ્યારે કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB) એ જમા કરાયેલા 12 કરોડ રૂપિયા રિડીમ કરવાનો ઈન્કાર કરી દીધો. આ સિવાય કર્ણાટક સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જમા કરાયેલા 10 કરોડ રૂપિયા પણ બેંક કર્મચારીઓના કૌભાંડને કારણે પરત કરવામાં આવ્યા નથી.

 

- Advertisement -
Share This Article
Leave a comment